આનંદ, મિલન અને ઐતિહાસિક પરંપરાનું પર્વ:
અષાઢી બીજ કચ્છી પ્રજાનું ગૌરવવંતુ નવું વર્ષં
ગગન ગાજે ,મોરલા બોલે ,મી આયો મી આયો
માથે ચમકે વીજ મહલોં કચ્છડ઼ે
આવા ઈ પાંજી અષાઢી બીજ
આનંદ સમૂહમાં ઊજવાય ત્યારે ઉત્સવ બને છે, કચ્છમાં અષાઢી
બીજ નવા વર્ષના એંધાણ લઈ આવતો તહેવાર છે.કચ્છના ફરતે રણ વિસ્તાર તો બીજી
બાજૂ ઘૂઘવતો રત્નાકર, આ બન્ને વિરોધાભાસી તત્વો માનવ જીવનના ઘડતર બની
’કચ્છી માડુ’ માટે પ્રેરણાનું ઈંગિત બન્યા છે. વિપરીત પરિસ્થિતિ વચ્ચે
પિસાઈ, રિબાઈ, ટૂંપાઈ ઘડતર પામેલા કચ્છીઓને કુદરતની લીલા જીવનમાં ટકવાની
સબૂરી અને શ્રદ્ધા બની છે,
આજથી આસરે ૮૦૦ વર્ષ પહેલાં કચ્છના રાજવી જામ રતા રાયધણના
સમયગાળા સાથે અષાઢી સંવતની શરૂઆત થઈ. કચ્છના રાજા કવિરાજ લાબાને કુદરતી
હરિયાળી ગમતી. દેશવટાથી પાછા આવતાં આષાઢની લિલોતરી થી ખુશ થઈ તેઓએ
કચ્છનું નવું વરસ અષાઢી બીજ શરૂ કરવા ફરમાન કર્યું. કચ્છની એકતાના
સૂત્રને બાંધનારો દિવસ એટલે અષાઢી બીજ. બીજને વિશ્વનો વૈભવ અને જીવનમાં
વિકાશ માટે સદૈવ જરૂરી ગણાવ્યું છે.
સાગર ખેડુઓ માટે અષાઢ હેત ના હિલોળે સાગર જેમ આનંદ આપનારું પર્વ
છે અને તેથી આ દિવસ ઈશ્વરના ૨૫ મા અવતાર "દરિયાલાલ" સિંધના સંત પુરુષ
લોહાણા ઘરાણામાં જનમ્યા હતા, અનેક ચમત્કારો સર્જી વરુણ દેવ જે સીધી કોમ,
લોહાણા કોમ માં પૂજાયા તો મુસ્લિમોમાં પણ "જીંદ પિર" તરીકે પંકાયા છે,
તેથી અષાઢી બીજનું મહત્વ છે. કચ્છના કાંઠે વસતા દરિયા ખેડુઓ દરિયાની પૂજા
કરે છે, વહાણોને રંગ લગાડી, વાવટાઓ, ધ્વજા પતાકાથી સુશોભિત કરે છે. આનંદ
ઉમંગ સાથે મીઠાઈની આપ-લે કરી ખુશી વ્યક્ત કરે છે. વડીલોને સાકરનું પડીકું
નળિયેર આપી નવા વરસના આશીર્વાદ મેળવવાનો ચાલ કચ્છીમાં છે, એક બીજાને નવા
વરસના સાલ મુબારક કરવા જવા આવવાની પરંપરા શહેરોમાં ઉત્સવ મેળવવા રૂપે આજે
પણ ચાલુ છે. કચ્છમાં રજવાડી વખતમાં દરબારો ભરાતા નવા સિક્કા ટંકશાળમાં
છપાતા. અષાઢી બીજ ચન્દ્રનો મહિમા અનેક સ્થળે ઇતિહાસના પાનાઓમાં,
સાહિત્યિક લેખોમાં તેમજ પુરાતત્વ ખાતાઓના સંસોધાત્મક અહેવાલમાં છુપાએલો
છે. અષાઢી બીજે દરિયા ખેડુઓની ખેપ પતવા આવી હોય અને વરસાદ શરુ થતાં બધા
ઘર ભણી વહાણો લઈને પાછા આવવાના સંકેતો મોરના ટહુકામાં કે ઘૂઘવતા સાગરમાં
અને ગરજતા વાદળા માંથી મળતા હોય છે. માલ લેવા ગયેલો વેપારી પાછો આવશે એવા
કોડ પ્રિયતમા-સ્વપ્નાને શણગારી મિલન માણવાનો ઉત્સવ અને તેની તૈયારી થાય,
આમ વિવિધ રીતે અષાઢી બીજનું મહત્વ ઠેર ઠેર આલેખાયેલું છે. જોકે અષાઢી નવા
વર્ષનો ઉલ્લેખ પંચંગોમાં માત્ર કચ્છ અને સૌરાષ્ટ્રના હાલાર પ્રાંતમાંજ
જોવા મળે છે. લોહાણા સમાજ અને કચ્છી કોમ જ્યાં જ્યાં વસી છે ત્યાં ત્યાં
આ ઉત્સવ ઊજવે છે. અને પરંપરાઓને જાળવી રાખે છે.
From:
Ashadhi Bij